Friday, December 10, 2010

બરફવર્ષા થઇ હોવી જોઈએ

હિમાલયને સાગરની ઈર્ષા થઇ હોવી જોઈએ.
તેથીજ  શિખરો તળે ગર્તા થઇ હોવી જોઈએ.

આ કડકડતી ઠંડી વહાલી લાગી અચાનક
જરૂર પહેલી બરફવર્ષા થઇ હોવી જોઈએ!

પાણી પાણી થઇ ગયો કેમ બરફ એકાએક?
નક્કી તડકા સાથે ચર્ચા થઇ હોવી જોઈએ!

શાને ટોળે વળ્યા છે આ  પાંદડા ભરરસ્તે?
કદાચ પાનખર બેપર્દા થઇ હોવી જોઈએ!

પૃથ્વી ફરી વળ્યો તોય હાર્યો છે કાર્તિકેય,
કો' ચાલાક સાથે સ્પર્ધા થઇ હોવી જોઈએ!

રામજીની સીતા કાં નથી સમાતી ધરતીમાં? 
કર્મ હતી એ સતિ, કર્તા થઇ હોવી જોઈએ!

કાપાકાપી એમ જ થાય નહિ શરુ 'અમિત'  
જમીનદોસ્ત દેરી કે દર્ગા થઇ હોવી જોઈએ.

----
અહી આજે વરસનો પહેલો બરફ પડ્યો અને લખવાની પ્રેરણા થઇ. એકદમ પહેલા વરસાદ જેવી જ લાગણી હતી. આ મારો ત્રીજો શિયાળો છે અમેરિકામાં. ખબર પણ ના રહી ક્યારે હું અહીની ઋતુઓમાં ઓતપ્રોત થઇ ગયો. આ ગઝલ એક રીતે વચગાળાની ગઝલ છે જેમાં થોડી વાતો અહીની છે તો થોડી ત્યાની. Migration નું આ એક આગવું લક્ષણ છે: ત્યાનું વળગણ છૂટે નહિ ને અહીનું સૌન્દર્ય પણ ચુકી ના શકો!

2 comments:

  1. આ ગઝલ એક રીતે વચગાળાની ગઝલ છે જેમાં થોડી વાતો અહીની છે તો થોડી ત્યાની. Migration નું આ એક આગવું લક્ષણ છે: ત્યાનું વળગણ છૂટે નહિ ને અહીનું સૌન્દર્ય પણ ચુકી ના શકો!

    True.

    Nice piece of imagination with analytical balance.

    ReplyDelete
  2. આભાર પંચમભાઈ! તમારું પ્રોત્સાહન પ્રેરક બની રહે છે. આશા છે કે જલ્દી છંદમાં લખતો થઇ જાઉં. તમારી ગઝલમાં તમે છંદવિધાન આપો છો તેથી ઘણું શીખવા મળે છે. ખૂબ ખૂબ આભાર!!! તમને મળી ને ઘણો આનંદ થયો,મળતા રહીશું.

    ReplyDelete