Sunday, March 17, 2013

પછી મળીએ તો?

જામ ઊઠ્યા પછી મળીએ તો?
રંગ જામ્યાં પછી મળીએ તો? 

આ બુલંદી અડચણ થઈ રહી છે! 
થોડું ઝૂક્યાં પછી મળીએ તો?

ઔપચારિકતા વળોટીએ?
હાલ પૂછ્યા પછી મળીએ તો?

હું અને તું જ કર્યા કરીશું શું?
જાત ભૂલ્યાં પછી મળીએ તો?

માનશો ને નસીબ નો છે હાથ?
રાહ ચૂક્યા પછી મળીએ તો?

હાથ અર્જુન થઈને માંગું હું?
માછ વીંધ્યાં પછી મળીએ તો?

દ્વારકાધીશ છું, છું મજબૂર હું!
દ્વાર ખૂલ્યાં પછી મળીએ તો?

(છંદવિધાન: ગાલગા ગાલગા લગાગાગા)

Saturday, June 09, 2012

હોય નહીં


બધું જ હોય છતાં પણ લગાવ હોય નહીં.
સગપણ હોય છતાં પણ બનાવ હોય નહીં.

ધસી નદી દરિયા તરફ આમતેમ થઇ
ઉમંગનો કંઈ સીધો બહાવ હોય નહીં!

ફાકામસ્તી અકબંધ, અકિંચન છું ભલે
કશું ન હોય ભલે પણ અભાવ હોય નહીં.

સિકંદરી લઇ બેઠા, હવે રસ્તો છે કંઈ?
દિ'રાત કૂચ, કદીયે પડાવ હોય નહીં.

ઘણું હતું કહેવાનું, ઉઠી હતી'ય કલમ
કથા છે અંગત એનો સમાવ હોય નહીં! 

છંદવિધાન: લગાલગા લલ ગાગા લગાલગા ગાગા[લલગા]

શબ્દાર્થ: 
ફાકામસ્તી = ગરીબાઈમાં પણ આનંદ માનવો તે. ખાવા ન મળે એવા સંજોગોમાં આનંદમાં રહેવાની સ્થિતિ. 
અકિંચન = સાવ ગરીબ, નિષ્પરીગ્રહી માણસ 
બનાવ = અહી "મેળ" કે "સ્નેહ" ના અર્થમાં, "અણબનાવ"ના વિરોધાર્થમાં (બનાવ એટલે ઘટના પણ થાય પણ એ અર્થ અભિપ્રેત નથી).


નોંધ: 
"બધું જ હોય છતાં પણ લગાવ હોય નહીં" એવી એક પંક્તિ પાદપૂર્તિ માટે શ્રી વિવેક ટેલર તરફથી આપવામાં આવી હતી અને ફેઈસબુક પર  ઈજન હતું - કાવ્યગોષ્ઠી માટે રવિવારે સવારે આગિયાર વાગે સુરતમાં એમના ઘેર આવવાનું. અહી બેઠા વિચાર આવ્યો કે લાવ હું પણ પ્રયત્ન કરું અને ઈમેલથી એમને મોકલી આપીશ. આ પંક્તિ "બધું જ હોય છતાં પણ લગાવ હોય નહીં"   નો છંદ હું ધારું છું ત્યાં સુધી એમની જ એક ગઝલ  ફૂલો પર નો છંદ છે. એમણે કોમેન્ટમાં કહ્યું ત્યારે ખબર પડી કે એ બીજા પણ કેટલાય હિન્દી ફિલ્મી ગઝલોનો છંદ છે! આમ તો એમણે ચાર જુદી જુદી પંક્તિઓ આપી હતી (અને દરેક ખૂબ રસપ્રદ) પણ એમની એ ગઝલ વાંચ્યા પછી એ છંદમાં લખવાની ઈચ્છા આમે હતી. વિવેકભાઈએ ઢાળ આપ્યો એટલે દોડી જવાયું! જો કે છંદ વિષે હજુ ઝાઝું જાણતો ન હોવાથી આ પંક્તિમાં એ છંદ ન હોવાની પૂરી સંભાવના! વિવેકભાઈ જ કહેશે હવે તો. આમ પણ આ ગોષ્ઠીનો આશય એમના શબ્દો માં કહીએ તો જાત ને સુધારવા-મઠારવાનો જ છે !! આભાર વિવેકભાઈ. 


નીચે એમનું ફેઇસબુક ઇજન એમના જ શબ્દોમાં:


વિવેક ટેલર:


કાવ્યગોષ્ઠી:

આ રવિવારે સવારે અગિયાર વાગ્યે મારા ઘરે:

પાદપૂર્તિ માટેની પંક્તિઓ:
1) અન્ય પર આધાર રાખે છે હજી
2) બધું જ હોય છતાં પણ લગાવ હોય નહીં
3) હું જ મારામાં હેમખેમ નથી
4) ઘુંઘટમાં હજી રૂપ સમેટાઈ રહ્યું છે — address removed.