Saturday, May 15, 2010

કાફીયા પાછું વળી ને જુએ તો...


આમ તો અનુસરું છું તને કાફીયા
પણ મનેય થોડો જાણી લે કાફીયા 

રદ્દીફ છું - રહું છું એવો ને એવો 
બીજાના તાલે નાચે એ કાફીયા!

છેક છેલ્લી પાટલીએ બેઠો ભલે
મારી સામે પગે પડે છે કાફીયા!

એક તાંતણે હું બાંધુ નહીં ગઝલ
તો તને કોણ  ભાવ દે કાફીયા?

પૂછ 'અમિત' ને ગઝલ  વિષે 
સ્ફુરે રદ્દીફ પહેલા કે કાફીયા? 
--------------------------------
ગઝલો વિષે આમ તો ઘણી ગઝલો લખી ચુકી છે પણ મારી ઈચ્છા હતી કે એક હું પણ લખું. વિચારતો ગયો એમ લાગ્યું કે આખેઆખી ગઝલ વિષે ગઝલો છે પણ ગઝલની બાંધણી પર, એના કલેવર પર કઈ વાંચ્યાનું યાદ નથી આવતું. રદ્દીફ ને કાફીયા જેટલું મહત્વ તો ગઝલમાં બીજા કશાનું નથી હોતું. ગઝલ બને જ છે એના થી. રદ્દીફ એટલે દરેક શે'ર ના અંતે પુનરાવર્તન પામતો શબ્દ કે શબ્દસમૂહ. જેમ કે આ ગઝલ માં 'કાફીયા' શબ્દ દરેક શે'રના અંતે આવે છે. કાફીયા એટલે રદ્દીફની તરત પહેલા આવતા શબ્દ, જેનો પ્રાસ બેસે છે.એને મધ્યાનુપ્રાસ કહી શકાય. ઉપરોક્ત ગઝલમાં લે, એ, દે, કે, છે જેવા શબ્દો કાફીયા છે. આ બધી વાત એટલે કરી કે આ આખી ગઝલ એ બે શબ્દો વચ્ચે જ છે. એ રીતે આ ગઝલ ન રહેતા નઝમ વધારે થઇ ગઈ છે. આડવાત, ગઝલમાં દરેક શે'ર નું ભાવવિશ્વ જુદું-જુદું હોય છે જયારે નઝમ કોઈ એક જ વિષયવસ્તુ પર હોય છે. 

સહુથી પહેલી ચમત્કૃતિ જે ધ્યાન ખેંચે એવી છે તે એ કે, 'કાફીયા' શબ્દ પોતે જ આ ગઝલનો રદ્દીફ છે! એમ કરી ને રદ્દીફને થોડું વધુ ઊંચું સ્થાન આપ્યું છે આ ગઝલ માં. જો કે કોઈક દિવસ કાફીયા ને ઊંચા ચીતરીને પણ એક ગઝલ લખવી છે ખરી. 

હવે એક એક શે'ર માણીએ: મત્લાના શે'રમાં કહી દીધું છે કે રદ્દીફ ને શી વાત નું ઓછું આવે છે. બધે બસ પાછળ પાછળ જ ચાલ્યા કરવાનું? ને જો કાફીયા ને આગળ હોવાનો ઘમંડ હોય તો લે સાંભળ તું પણ. 
બીજા શે'ર માં રદ્દીફની જે ચાવીરૂપ ખાસિયત ગણાય એની વાત થઇ છે. નથી બદલાતો માટે જ તો રદ્દીફ છે. પહેલા આ વાત કહેવા માટે આવું કંઇક લખ્યું હતું: 

પાંચમાં પુછાઉં છું મારી ટેકથી 
શે'રે શે'રે બદલાય રે કાફીયા!  

વાત એની એ જ છે. પાંચ માં પૂછવાની વાત અંગે એક સ્પષ્ટતા: ગઝલ પાંચ , સાત કે આગિયાર શે'ર થી બને. આ ગઝલ પોતે પણ પાંચ શે'રની છે પણ પછી જામી નહિ એટલે બદલ્યું. 

ત્રીજા શે'ર માં વાત કરી છે એના સ્થાન અંગેની. શે'ર ના અંતે એનું સ્થાન એટલે છેલ્લી પાટલી! ને એ શબ્દપ્રયોગ ગુજરાતી માં કોના માટે થાય છે એ તો આપને જાણીએ જ છીએ. પણ રદ્દીફ નું ગૌરવ જોયું? કહે છે કે મારા પગે પડે છે કાફીયા. ઘમંડ થી સહેજ ઓછો અને આત્મગૌરવ થી સહેજ વધુ એવો ભાવ છે. 

ચોથા શે'રમાં વાત છે અન્ય એક ચાવીરૂપ ગુણની . રદ્દીફ એક જ છે આખી ગઝલ ને એક તાંતણે બાંધે છે. શે'ર બધા એના મણકા. છંદ, કાફીયા વગરે એને બીજા ગુણધર્મો આપે ખરા પણ રદ્દીફ તો દોરો છે જેમાં આ બધું પરોવાય.

પાંચમો શે'ર ગઝલની સર્જન પ્રક્રિયામાં રદ્દીફની ભૂમિકા અંગે છે. મને ઝાઝી ખબર નથી અન્ય સર્જકોની પણ હું તો ગઝલની શરૂઆત રદ્દીફ થી જ કરું છું. પછી કાફીયા શોધું અને પછી એક પછી એક શે'ર લખતો જાઉં. જો કે સર્જનપ્રક્રિયા બહુ જ અંગત વસ્તુ છે પણ ઊંડે ઊંડે મને એવું લાગે છે કે મોટા ભાગ ના ગઝલકારો સર્જન ની શરૂઆત રદ્દીફ થી કરતા હશે!

1 comment:

  1. પ્રિય અમિતભાઇ,



    ગઝલ ઘણી વાંચી-સાંભળી પણ ક્યારેય વિસ્તારમાં સમજી કે વિચારી જ નહોતી.રદિફ અને કાફિયા માટે આટલી સુંદર રચના અને એના કરતાં પણ વિશેષ તો એના માટે આપેલી સમજણ વાહ વાહ.

    ઘણી વાર પેઇંન્ટીંગ એક્ઝીબિશન જોવા જવાનું થાય ત્યારે કેટલીક ક્રુતિઓ આપણી સમજ બહાર હોય અથવા કલાકાર શું કહેવા માંગે છે તે આપણા સુધી પહોંચતુ ન હોય ત્યારે એ ચિત્રની નીચે મુકેલી એના વિશેની માહિતિથી એ ચિત્ર વધુ સ્પષ્ટ થાય તો એને માણવાની વધુ મઝા આવે એવુ આજે થયું.

    ReplyDelete