Sunday, April 17, 2011

છે મને




પ્રથમ જિંદાદિલીથી જીવડાવે છે મને.
ને પછી તું મોતથી બીવડાવે છે મને?


મારવી છે વિધાતાના લેખમાં મેખ તો
આમ શાને ચોરીએ ચીતરાવે છે મને?*


છોડવાનો એ અર્થ કોણ સમજે વતનમાં
જે હિજરતી જીંદગી શીખવાડે છે મને. 


શો ફર્ક તારા અને આ વલીમાં સાકિયા?
તું ખુદ ન લે એ સુરા પિવડાવે છે મને.


દાદની એ વગર શું ખબર હોત 'અમિત'
ન હોત એક-બે દોસ્ત જે બિરદાવે છે મને!


(છંદવિધાન: ગાલગાગા ગાલગા ગાલગાગા ગાલગા)


વલી = ઓલિયો; પીર; સંત; સાધુ. અહી ઉપદેશક ના અર્થમાં
-----------------------------------


*સંદર્ભ: રાજા વિક્રમ એક વખત કોઈ ને ત્યાં આશરો પામ્યો હતો ત્યારે વિધાતાએ એ ઘરમા જન્મેલા બાળકનું અઢાર વરસે લગ્નની ચોરીએ વાઘના ફાડી ખાવાથી મૃત્યુ લખ્યું હતું. વિક્રમે વિધાતાને પડકારી હતી કે એ બાળકને ભરયુવાનીમા મરવા નહિ દે. એ બાળકના લગ્નપ્રસંગે હજાર ચોકીપહેરા ગોઠવ્યા છતાં ચોરીના બેડા પર ચીતરેલા વાઘે જીવતા થઇ ને યુવાનને વિક્રમની નજર સામે ભરખી ગયાની કથા છે (જો કે પછીથી એ યુવાનને પોતાના જીવના જોખમે અમૃત મેળવી આપી જીવતો કર્યો અને વિધાતાના લેખ મા મેખ મારવા માટે ભારતીય સાહિત્યમાં વીર વિક્રમ પોતાનું નામ હમેશ માટે અમર કરી ગયો. અલબત્ત, રાજાની પ્રશંસામા લખાયેલી દંતકથા જ છે પણ ભારતવર્ષમા વિધિના લેખમા માનતી પ્રજાને પરાક્રમનું મહાત્મ્ય સમજાવવા માટે સચોટ કથા!)

2 comments:

  1. તમે પી.એચ.ડી મા ખોટા પડ્યા છો પટેલ,

    કવિ થઈ ગયા હોત'તો ક્યારના એય પબ્લિશ થઈ ગયા હોત',

    એવુ લાગે છે મને.

    ReplyDelete
  2. આભાર પાર્થિવ :)
    છેલ્લો શે'ર તમને અને તમારા એ 'લાગવાપણા' ને અર્પણ!

    ReplyDelete