Thursday, November 27, 2008

શું કરું?


દ્રોપદીનો પાલવ મૂક્યો, શું કરું?
આખરી એ દાવ  ચૂક્યો, શું કરું?

છે જ  ક્યાં મારા કહ્યાંમાં તન હવે!
જામ  લેવા હાથ  ઊઠ્યો, શું કરું?

વારતા આખી સુણાવી તો ખરી,
પણ  કથાનો સાર ચૂક્યો, શું કરું?

આશ  જે થોડી હતી ડૂબી ગઈ,
મધસમંદર જ સઢ  ફાટ્યો, શું કરું?

કાફિયા ખૂટ્યા પહેલા ઓ ગઝલ!
આપણો સંબંધ  ખૂટ્યો, શું કરું?

(છંદવિધાનઃ ગાલગાગા ગાલગાગા ગાલગા)



6 comments:

  1. vah amit, maja avi gayi

    ReplyDelete
  2. gazal to vanchavi tame amit,
    chhelli liti upar thi gayi, shu karu?!

    ReplyDelete
  3. વાહ વાહ !પણ કફિયા નો મતલબ ??

    ReplyDelete
  4. ભાઈ ઉરજીત અને ક્રુપાલ,

    આ ગઝલમાં થોડુ કાવ્યત્વ ઓછુ જણાય તો માફી! છંદમાં ગઝલ લખવાનો આ બીજો પ્રયાસ છે. એક ઓનલાઈન મુશાયરામાં આ પંક્તિ મળી હતી, "આપણો સંબંધ ખૂટ્યો, શું કરું?". રદિફ "શું કરું?" (દરેક શે'રના અંતે પુનરાવર્તન પામતો શબ્દ/પામતા શબ્દો)અને કાફિયા હતા "ખૂટ્યો", "તુટ્યો" વગેરે જેવા શબ્દો (જે રદિફની પહેલા પ્રાસમાં હોય છે એ).

    છંદમાં લખવાની મહેનત પાંચેક અઠવાડિયા ચાલી ત્યારે આ ગઝલ પુરી થઈ. છેલ્લો શે'ર એની જ નિપજ! કાફિયા તો ઘણા હતાઃ "તુટ્યો". "ફૂંક્યો", "લૂંટ્યો" વગેરે, પણ પાંચ અઠવાડિયા પછી તો એ ગઝલ સાથે સંબંધ જ ખૂટી ગયો એટલે ત્યાં પુર્ણવિરામ મુક્યુ. અને એમ પણ ગઝલ અંગેનો શે'ર હોય ત્યારે સર્જનપ્રકિયામાં અનુભવાતા દર્દ, દ્વિધાઓ વગેરે એમાં આવી જ જતા હોય છે!

    ReplyDelete
  5. ha ha. kafiyo khabar nahi ketla mi vaar samjavyo hashe te...

    kafio ek vaar fari samjavya pachhi thodo sudhar:

    gazal to vanchavi tame amit,
    chhelli liti Chukyo, shu karu?!

    ;)

    ReplyDelete
  6. Anonymous4:39 PM

    પ્રિય અમિત... પ્રતિભાવ મોડો આપવા બદલ ક્ષમા માંગુ છું. મારા 'સહિયારું સર્જન - પદ્ય' બ્લોગ પર આપેલાં આ વિષય ઉપર છંદમાં રચના લખવાની તમારી આ કોશિશ ખૂબ જ સરાહનીય છે અને મારા માટે ખૂબ જ આનંદની વાત છે. મારા બ્લોગની સફળતા એ જ છે કે તમને છંદમાં લખવાની પ્રેરણા મળી. અને આટલા ટૂંકા સમયમાં છંદમાં લખવાની કોશિશ પણ ઘણી સફળ છે. મારું માનવું છે કે છંદ તો શિખી શકાય છે પરંતુ કાવ્યતત્ત્વ આપણી અંદરથી આવે છે. એટલે કે એકવાર છંદ ઉપર તમારો હાથ બેસી જશે એટલે કાવ્યતત્વ એની મેળે આવવા માંડશે... એટલે એ વિશે હું કંઈ નહીં કહું. પરંતુ હા, ગઝલનાં છંદ વિશે જરૂર થોડું કહીશ.

    મેં કહ્યું એમ ગઝલમાં છંદ લગભગ જળવાયો છે.

    મત્લાનાં શેરમાં કાફિયાદોષ છે. મત્લામાં આવતાં મૂક્યો અને ચૂક્યો જેવા કાફિયા એવો નિર્દેશ કરે છે કે આખી ગઝલનાં કાફિયા શબ્દાંતે 'ક્યો' વાળા હશે.. પરંતુ આગળ જતા ગઝલમાં ફાટ્યો જેવો કાફિયો આવતા એ ધારણા ખોટી પડે છે. જે કાફિયાનો દોષ છે. આ દોષનું નિવારણ તમે મત્લાનાં બંને મિસરામાં અલગ અલગ કાફિયા વાપરીને કરી શકો છે.. દા.ત. ખૂટ્યો કે તૂટ્યો એક મિસરામાં અને ફાટ્યો જેવો કાફિયો બીજા મિસરામાં વાપરી શકો છો.

    મત્લાનાં શેરનાં ઉલા મિસરામાં છંદ તૂટે છે. પાલવ એટલે ગાગા (ગાલલ) થઈ જાય છે. એટલે કે એક લઘુ અક્ષર વધારાનો છે.

    બીજા અને ત્રીજા શેરમાં છંદ સરસ રીતે જળવાયો છે.

    ચોથા શેરમાં બીજા આવર્તનમાં ગાલગાગાની જગ્યાએ લગાગાગા થઈ જાય છે. આમ કરો તો છંદ જળવાઈ જાય છે...દા.ત. 'મધસમંદર સઢ જો ફાટ્યો, શું કરું?'

    મક્તાનાં શેરમાં પણ છંદ તો જળવાયો જ છે, પરંતુ આપણે 'પહેલા' શબ્દને generally ગાગા તરીકે બોલીએ ને લઈએ છે. એટલે જો એક અક્ષર ઉમેરવામાં આવે તો છંદ વધુ સારી રીતે જળવાઈ રહે છે. "કાફિયા ખૂટ્યા એ પહેલા ઓ ગઝલ!"

    એમ તો હું પણ તમારી જેમ હજી શીખું જ છું. આશા છે કે તમને મારો અભિપ્રાય અજૂગતો નહીં લાગે.

    -ઊર્મિ
    www.urmisaagar.com

    ReplyDelete