Friday, June 01, 2012

જુદા

એ પુર જુદા ને દ્વાર જુદા,
એ ઉર જુદા આવકાર જુદા. 

કોને કંઠે છે એનો છે ફર્ક!
એ નૂર જુદા ને હાર જુદા. 

કેમ ન  પરખું કે ઢોંગ હશે? 
એ ઝૂર  જુદા દીદાર જુદા. 

શી વાત કરું એ ગીતતણી?
એ સૂર જુદા ને તાર જુદા!

છે અંત:શત્રુ સહેલ અંકુશવા?
એ શૂર જુદા એ વાર જુદા.

(છંદોલય: ગા ગાલલગા ગા ગાલલગા)

(શબ્દાર્થ: પુર = ગામ, નગર; ઉર = હ્યદય; ઝૂર = ખોટા દેવ, ખોટો ચળકાટ; નૂર = તેજ; વાર = ઘા, પ્રહાર) 


નોંધ: એક  નવતર  પ્રયોગ  આદર્યો છે - દ્વીરદ્દીફ-દ્વીકાફીયા  ગઝલ નો.  ત્રણ-ચાર જુદા જુદા સ્વરૂપો વિચાર્યા છે એમાંનો આ  પહેલો પ્રયોગ. દ્વીરદ્દીફ  ગઝલ કે ત્રિપદી ગઝલના પ્રયોગો જોવામાં આવ્યા છે. એ  બંનેના મિશ્રણ  જેવું  આ સ્વરૂપ હું ધારું છું ત્યાં સુધી નવું છે, કોઈ  કહેશે?

પ્રશ્ન  થાય  કે દ્વીરદ્દીફ-દ્વીકાફીયાથી નવું શું અદા થાય  છે? આ  પ્રયોગનો આશય  શું? બે જવાબ  જડે છે. એક તો રજૂઆતમાં ભાવકને થતો અનુભવ. નિયમિત  ગઝલના સાની-મિસરામાં કાફિયા સુધી 
પઠન  પહોંચે ત્યાં સુધી જે રહસ્ય  અને ઉત્કંઠા ઘૂંટાય  છે તે મારી દ્રષ્ટિએ આ નવા રૂપમાં બેવડાય  છે - એ એની મુખ્ય સિદ્ધિ. એનાથી બિલકુલ  વિરુદ્ધ પણ કહી શકાય કે એ  જ ચમત્કૃતિ બે ભાગમાં ખુલ્લી થતી હોવાથી નકાબ  ધીમે ધીમે ઉંચકાય  છે. મતલબ  કે શે'રની શોભા સાની મિસરામાં ધીમે ધીમે ઉઘડે છે અને ભાવકને પ્રતીક્ષાના એક  નવા સ્વરૂપનો અનુભવ  થાય  છે. 


બીજું, સર્જનની દ્રષ્ટિએ એક જ શે'રમાં બે વખત કેફિયત આપવા મળે છે. જેમ કે "એ ઉર જુદા" વાત ફરી પડઘાય છે "આવકાર જુદા"માં. કે પછી થોડી વધુ વિગત ઉમેરવાથી ચિત્ર સ્પષ્ટ થાય. જેમકે "એ શુર જુદા" એટલું કહીએ તો વાત તો પૂરી થાય છે પણ "એ વાર જુદા" થી એક સબળ પાસુ ઉમેરાય છે - આમ વાંચો તો કારણાત્મક લાગે: "એ શુર જુદા" (કારણકે એમના) "એ વાર જુદા". કે પછી આમ વાંચો તો પ્રસંશા વ્યક્તિ-વિષયક રહેવાને બદલે  કર્માત્મકતા-વિષયક પણ બને: "એ શુર જુદા" (તદુપરાંત) "એ વાર (પણ) જુદા". 


આ ગઝલનો આશય  આ  પ્રયોગ કરવા માટેનો હોઈ  થોડું કાવ્યત્વ ઓછું જણાય કે ગઝલના બીજા પાસાઓની અવગણના થઇ  લાગે તો દરગુજર કરશો - મૂળ સ્વરૂપ હજી હસ્તગત નથી ત્યાં પ્રયોગો આદરવાની આપખુદી કરી બેઠો છું. પણ નવા (નવું હોય તો) સ્વરૂપ અંગે જે લાગે તે છૂટથી જણાવશોતો આનંદ થશે, શીખવા મળશે.

2 comments:

  1. સરસ. અમિત ---છે અંત:શત્રુ સહેલ અંકુશવા?
    એ શૂર જુદા એ વાર જુદા.----પન્ક્તિઓં ખુબ ગમી.

    ReplyDelete
    Replies
    1. આભાર રાજુભાઈ!

      Delete