Showing posts with label છાંદસ. Show all posts
Showing posts with label છાંદસ. Show all posts

Tuesday, April 17, 2012

પ્રતિબિંબ

શોધો ત્યારે જ છળે  પ્રતિબિંબ!
ભરબપ્પોરે પગ તળે પ્રતિબિંબ!

એકલતાની એ હશે ચરમસીમા
શોધો સહવાસને મળે પ્રતિબિંબ!

આ ટેક તો એને મળી વારસામાં
કિરણ વળે છે કે વળે પ્રતિબિંબ?*

હદ બહાર હંફાવે છે આત્મશ્લાઘા
ખોળે હરણ મૃગજળે પ્રતિબિંબ!

રોશની મથે ઓગાળવા શમાને
એવું  બને કે ઓગળે પ્રતિબિંબ!

(છંદવિધાન: ગાગાલગા ગાગાલગા ગાલગાગા)


* સાવ અશક્ય નથી પણ મૂળભૂત સ્વભાવ અંગે નિર્દેશ છે.
શબ્દાર્થ: ખોળે = શોધે આત્મશ્લાઘા =  અહંપ્રેમ, narcissism 
નોંધ: દરેક શે'રમાં પ્રતિબિંબ એ  પ્રતિચ્છાયાના સંદર્ભમાં જ ન હોઈ, પડછાયાના અર્થમાં પણ છે (જેમ કે મત્લાના શે'રમાં). ગુજરાતીમાં પ્રતિબિંબના એ બંને અર્થ થતા હોવાથી રદ્દીફ કૈંક અંશે સાધ્ય બન્યો. એની ચોક્કસ વ્યાખ્યાના અર્થમાં લઈએતો ગઝલ પૂરી કરવી કષ્ટસાધ્ય જ બને!  


Sunday, April 17, 2011

છે મને




પ્રથમ જિંદાદિલીથી જીવડાવે છે મને.
ને પછી તું મોતથી બીવડાવે છે મને?


મારવી છે વિધાતાના લેખમાં મેખ તો
આમ શાને ચોરીએ ચીતરાવે છે મને?*


છોડવાનો એ અર્થ કોણ સમજે વતનમાં
જે હિજરતી જીંદગી શીખવાડે છે મને. 


શો ફર્ક તારા અને આ વલીમાં સાકિયા?
તું ખુદ ન લે એ સુરા પિવડાવે છે મને.


દાદની એ વગર શું ખબર હોત 'અમિત'
ન હોત એક-બે દોસ્ત જે બિરદાવે છે મને!


(છંદવિધાન: ગાલગાગા ગાલગા ગાલગાગા ગાલગા)


વલી = ઓલિયો; પીર; સંત; સાધુ. અહી ઉપદેશક ના અર્થમાં
-----------------------------------


*સંદર્ભ: રાજા વિક્રમ એક વખત કોઈ ને ત્યાં આશરો પામ્યો હતો ત્યારે વિધાતાએ એ ઘરમા જન્મેલા બાળકનું અઢાર વરસે લગ્નની ચોરીએ વાઘના ફાડી ખાવાથી મૃત્યુ લખ્યું હતું. વિક્રમે વિધાતાને પડકારી હતી કે એ બાળકને ભરયુવાનીમા મરવા નહિ દે. એ બાળકના લગ્નપ્રસંગે હજાર ચોકીપહેરા ગોઠવ્યા છતાં ચોરીના બેડા પર ચીતરેલા વાઘે જીવતા થઇ ને યુવાનને વિક્રમની નજર સામે ભરખી ગયાની કથા છે (જો કે પછીથી એ યુવાનને પોતાના જીવના જોખમે અમૃત મેળવી આપી જીવતો કર્યો અને વિધાતાના લેખ મા મેખ મારવા માટે ભારતીય સાહિત્યમાં વીર વિક્રમ પોતાનું નામ હમેશ માટે અમર કરી ગયો. અલબત્ત, રાજાની પ્રશંસામા લખાયેલી દંતકથા જ છે પણ ભારતવર્ષમા વિધિના લેખમા માનતી પ્રજાને પરાક્રમનું મહાત્મ્ય સમજાવવા માટે સચોટ કથા!)

Thursday, November 04, 2010

સાલ મુબારક

મોટેરાને આજ મુબારક, નાનેરાને કાલ મુબારક!
પાછોતરાને દિવાળીને, આગોતરાને સાલ મુબારક!

રાજરમતમાં ચારેબાજુ વજીરજી કરશે દોડાદોડી
રાજાનેને પ્યાદાને તો એક જ ડગની ચાલ મુબારક!

ગમતુ હો એ  ગળે વળગાડો ને બાકીનાને પડતું મુકો
શૂરવીરોને તલવારો ને બાકીનાને ઢાલ મુબારક!

લાટ, કચ્છ, કાઠીયાવાડ, ચરોતર તો છે બહુ અલબેલા
ખારોપાટ હશે તમારે મન - મને મારું ભાલ મુબારક!

હજુ હમણાંતો બાજુવાળા જીતુદાદાને કહેતા'તા
વરસ જતા શું વાર 'અમિત'? કહો ખુદને હવે "ટાલ મુબારક"!

(છંદવિધાન: ગાગાગાગા ગાગાગાગા ગાગાગાગા ગાગાગાગા)

Thursday, October 21, 2010

પાનખરોમાં પાન ખરે

Fall is a Color

પાનખરોમાં પાન ખરે ને, ઝાડનો આખો વાન ખરે ને, ત્યારે સાલું લાગી આવે.
આખું વરસ પહેરી-ઓઢીને, "જુના" કહી ઉતાર કરે ને, ત્યારે સાલું લાગી આવે.

વાહનો રોકો, ચાની લારીઓ ખસેડો ને, મારગ કરો મોકળા - નેતાજી પધારે છે.
તમને થોડી ના પડાશે પણ ગાડા માટે ગામ ફરે ને, ત્યારે સાલું લાગી આવે.

હિંદુ મારે મુસલમાનને, મુસલમાન મારે હિંદુને, હિસાબ થઇ ગયો ચૂકતે!
રામ રહે ને, રહીમ રહે ને, માણસમાંથી માણસ મરે ને, ત્યારે સાલું લાગી આવે.


રસોડાનો સામાન ને, જુની ચોપડીઓ ને, માનીતો હિંચકો,લઇ લીધા નવા ઘરે
"આવી ગયું ને બધુ?" કહીને, તાળું મારો  જુના ઘરે ને, ત્યારે સાલું લાગી આવે.   

એનુય રડવાનું બંધ થયું ને બાપે પણ  હિંમત આપી  કે "જા બેટા  ને સુખી થા"
ગાડીમાં બેસવા જતા એ પાછી જ્યાં નજર કરે ને, ત્યારે સાલું લાગી આવે. 
----------------------------------------------------------------------------
(છંદવિધાન: ગાગાગાગા ગાગાગાગા ગાગાગાગા ગાગાગાગા ગાગાગાગા ગાગાગાગા?) 

* મુકેશ જોશીની ખુબ જ પ્રસિદ્ધ ગઝલ ના મત્લાનો ઉલ-અ-મિસરો લઇ ને એના પર થી આ ગઝલ લખી છે. 

 ઉલ-આ-મિસરા સિવાય બીજી પંક્તિઓ નવી છે પણ લાગી આવવાનો ભાવ ઘણો મળતો આવે છે. મુકેશભાઈ ની ગઝલ વાંચી કે સાંભળી ન હોય તો આને પડતી મૂકીને એ જ વાંચવા ભલામણ છે :) અહીં તમે વાંચી અને સાંભળી શકશો: http://tahuko.com/?p=૬૦૫ મેં પહેલી વાર સાંભળી ત્યારે ઓછા માં ઓછી પાંચ વાર ફરી ફરી ને સાંભળી. એટલી ગમી ગઈ હતી. અને હા, આ ગઝલ એ જ રાત્રે લખવી પડેલી, એના વગર ઊંઘ નહોતી આવતી.બીજા શે'રની પ્રેરણા અધીર અમદાવાદી ને હમણાં હમણાં બહુ વાંચ્યા પછી આવી હોય એવું લાગે છે. બાકી નાં શે'રો થી જુદો પડતો એ શે'ર થોડી હમણાંના જમાના ની રોજબરોજ ની તકલીફો અંગે છે ને એના શબ્દો પણ થોડા છાપાના સમાચાર માં વાંચ્યા હોય એવા છે, પણ મેં એ શે'ર રાખવા એટલે ધાર્યું છે કે મને યાદ રહે ક્યારે મેં અધીર અમદાવાદી ને વાંચવા નું શરુ કર્યું. હું બહુ જ મોટો fan થઇ ગયો છું. એમને અહી વાંચી શકાશે:http://adhir-amdavadi.blogspot.com/  

છેલ્લા બે શે'ર મારા પોતાના અનુભવો પર વધારે આધારિત છે. દીકરી તો હજી વળાવી નથી પણ કોઈની પણ દીકરીના લગ્ન માં વિદાય સુધી રહેવાનું ભારે પડે છે. હા, ઘર તો ઘણા ફેરવ્યા એટલે એ નવું નથી :)

Wednesday, December 03, 2008

હું કોણ છું?



જોઊં અરીસો કે સવાલ કરે તરત, હું કોણ  છું? 
મારો જ  પ્રશ્ન એ કરે મુજને પરત! હું કોણ  છું?

શોધ્યા કરું છું હર  ઇબાદતમાં મને હું એ  હદે
કે જો મળ્યો હોતે ખુદ ખુદા તો પૂછત, હું કોણ  છું?

કૃષ્ણ કહેશે તો 'નરો વા કુંજરો વા' માફ છે!
યુધિષ્ઠિરનેય  રહી ન  પળભરતો સરત, હું કોણ  છું!

જોતે એ જો મુજ જિંદગીને આટલે નજદીકથી,
તો મોત જેવું મોત પણ છળી મરત, હું કોણ  છું?

દાદ  મળતે ઈશ્વરને જો આટલી ભારે 'અમિત'
કંઈ  સર્જ્યા નો કેફ  એનેય  ચડત, હું કોણ  છું?

(છંદવિધાનઃ ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા)


*In a photography group on flickr, The Photography Club of Ahmedabad, a subject was given for the weekly photography competition: "Who am I". I was unfortunate that I could not participate in this very very interesting competition because I was assigned a difficult but pleasant job of judging that competition! So I decided to explore the theme in an alternative art form!!!

Thursday, November 27, 2008

શું કરું?


દ્રોપદીનો પાલવ મૂક્યો, શું કરું?
આખરી એ દાવ  ચૂક્યો, શું કરું?

છે જ  ક્યાં મારા કહ્યાંમાં તન હવે!
જામ  લેવા હાથ  ઊઠ્યો, શું કરું?

વારતા આખી સુણાવી તો ખરી,
પણ  કથાનો સાર ચૂક્યો, શું કરું?

આશ  જે થોડી હતી ડૂબી ગઈ,
મધસમંદર જ સઢ  ફાટ્યો, શું કરું?

કાફિયા ખૂટ્યા પહેલા ઓ ગઝલ!
આપણો સંબંધ  ખૂટ્યો, શું કરું?

(છંદવિધાનઃ ગાલગાગા ગાલગાગા ગાલગા)



Sunday, October 26, 2008

મહેરબાની હો


તમારી મ્હેર હો મીઠી નજર હો મહેરબાની હો
તમારી ના મહી હા અગર હો મહેરબાની હો.

નથી ફરિયાદ, પ્રજાળ્યુ ભલે ના જીવતર ના ઘર
તમારી કબર નજદિક મારી કબર હો મહેરબાની હો.

મદદ માગી જરુર છે પણ ગૌરવ અમારુ જાળવજો
મદદ જો મહેરબાની વગર હો તો મહેરબાની હો.

જનમ  લેનાર શિશુઓને વળી દેનાર જનનીઓ
અમર ન બને ભલે પ્રભો! અજર હો મહેરબાની હો.*

કદર હો લેશ ન કલાકારની, હો ન પરવાહ 'અમિત'
પણ કલાની મારી જો કદર હો મહેરબાની હો.

(છંદવિધાનઃ લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા)
*આ  ગઝલ ૭ એપ્રિલ ૨૦૦૫ ના દિવસે લખી હતી. દર વર્ષે ૭ એપ્રિલ 'વર્લ્ડ  હેલ્થ  ડે' તરીકે ઉજવાય છે અને ૨૦૦૫ ના વર્ષની ઉજવણીની થીમ  માતા અને બાળ-સ્વાસ્થ્ય ઉપર હતી. જોગાનુજોગ  હું એ  દરમિયાન એ જ વિષય પર ડો.માવળંકર સાથે સંશોધન  કરતો હતો. આ  શે'રથી એ  દિવસ મારી ગઝલમાં ને મારી યાદમાં ને મારી પ્રાર્થનામાં હંમેશા માટે અંકાઈ  ગયો.